ભારતીય અમેરિકનોની ડેમોક્રેટ્સ પ્રત્યે નારાજગી, ટ્રમ્પને વધુ મત આપ્યા

ભારતીય-અમેરિકી સમુદાયના એક વગદાર અગ્રણી ડો. ભરત બારાઇએ જણાવ્યું છે કે ભારત જેવા દેશો માટે ડેમોક્રેટ્સ માનવ અધિકારનો એક રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હતા તેનાથી નારાજ થઈને તેમજ બાંગ્લાદેશમાં હિંદુ અધિકારોના મુદ્દે ટ્રમ્પે દાખવેલું વલણ જોઇને 70 ટકા જેટલા હિંદુ-અમેરિકન્સે ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હતું.

ડો. ભરત બારાઇએ એમ પણ જણાવ્યું હતું કે ભારતીય- અમેરિકન્સને પોતાની તરફે રાખવા ડેમોક્રેટીક પાર્ટીએ કોઇ ખાસ પગલાં નહોતા લીધા. ભારત સંબંધિત બાબતોમાં તેમનું વલણ ભારતીય-અમેરિકન્સ માટે અપમાનજનક રહેતું હતું. ડેમોક્રેટ્સ ભારતના કિસ્સામાં માનવ અધિકારનો ઉપયોગ રાજકીય શસ્ત્ર તરીકે કરી રહ્યા હતા.

ખાસ કરીને બાંગ્લાદેશમાં 100 જેટલા હિંદુ માર્યા ગયા હતા પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ તે ઘટનાઓને વખોડી પણ નહોતી. બાંગ્લાદેશમાં મંદિરો અપવિત્ર થઇ રહ્યા હતા, લોકોને હિજાબ પહેરવા ફરજ પડાઇ રહી હતી તો પણ જો બાઇડન, વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ખામોશ રહ્યા હતા.

તેમણે કહ્યું કે હિંદુ- અમેરિકન્સની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તે પૈકીના 70 ટકાએ રીપબ્લિકન પાર્ટીની તરફેણમાં મતદાન કરવાનું યોગ્ય માન્યું હતું. જોકે ટ્રમ્પ હવે બોલ્યા તે મુજબ વર્તશે કે કેમ તે બાબત પર પણ હિંદુ-અમેરિકી સમુદાય નજર રાખશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પે બે હિંદુ-અમરિકન્સની મહત્વના પદે નિમણુક કરી છે. તેમાં વિવેક રામાસ્વામી અને તુલસી ગબાર્ડનો સમાવેશ થાય છે. તેને કારણે પણ હિંદુ સમુદાયમાં ટ્રમ્પને સમર્થન મજબૂત થયું છે. તેમણે આશા વ્યક્તિ કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ભારત-અમેરિકા સંબંધો પણ સુદ્રઢ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *